https://amzn.to/46sNAa0
શિબી રાજા મહાસત્વાદી ને , રહેતા અયોધ્યાની માય
દેવસભામાં ચર્ચા ચાલી , શિબી સમો નહિ કોઈ
ઇન્દ્ર કહે પારખા લેવા , આગળ ચાલો અગ્નિ દેવા |
અગ્નિ દેવને હોલો બનાવીને , ઇન્દ્ર બન્યા છે બાજ
આકાશ માર્ગે ઉડવા લાગ્યા , જ્યાં બેઠા શિબી રાય
હોલો કહે મને ઉગારો , સામે આવે છે કાળ મારો |
ત્રણ ત્રણ દિવસથી ભાગતો ફરુ છુ , ભટક્યો બધું રણ
ઉગરવાની આશા સાથે ,આવ્યો તમારે શરણ
સતવાદી શરણે રાખો , નહીતર મુખથી ના જ ભાખો |
શીબીરાજા હોલાને કહે છે , તમે સંતોષ રાખો વીર
મોઢે માંગશે તે બાઝ્ને આપીશ , ધારણા રાખો ધીર
હોલાને ખોળામાં લીધો , બાજને અટકાવી દીધો |
શીબીરાજા હોલાને કહે છે , શું છે તમારે આવું વેર
હોલાને શરણે રાખ્યો , મનમાં લાવો મહેર
તમારા દુ:ખડા કાપુ , મોઢે માંગો તે અનાજ આપું |
અન્ન તો મારે જોતું નથી , એમ કહે છે બાજ
હોલાને તમે છોડી દયો , નહીતર પ્રાણનો કરશું ત્યાગ
આંગણે મરશું તમારે , રાજાન હત્યા લાગશે ત્યારે |
હોલો શીબીરાજાને કહે છે , સાંભળી લ્યો મારી વાત
બાજ બધા છે કાળ મારા , કરશે મારો ઘાત
એનું કલંક તમને ચડશે , એ નર્ક ભોગવવા પડશે તમારે |
શીબીરાજા કહે છોડું નહિ , ભલે થનાર હોઈ તે થાય
તન , મન અને ધન આપી દવ , રાજ ભલેને જાય
હારું કેમ સત્યને માટે , રાખું મારા શિરને સાટે |
બાજ શીબીરાજાને કહે છે , એક બતાવું ઉપાય
હોલા ભારો ભાર માંસ તમારું , તોળીને આપો રાઈ
ત્યાં કાંટો ને ત્રાજવા લાવ્યા , દેવતાઓ જોવાને આવ્યા |
હોલાને એક છાબમાં મુક્યો , હાથમાં લીધી તલવાર
પગની પીંડી કાપી કરી , મૂકી છાબ મોઝાર
જેમ જેમ રાજા માંસ નાખે , હોલો છાબ હેઠી રાખે |
શીબીરાજા માથું કાપવા લાગ્યા , વર્તાણો હાહાકાર
ઇન્દ્રએ આવી હાથ પકડયા , વર્તાણો જય જય કાર
ધન્ય ધન્ય સતવાદી , જે જોઈએ તે લ્યો માંગી |
શીબીરાજા ઇન્દ્રને કહે છે , સાંભળી લ્યો મારી વાત
આવા દુઃખ હવે પછી દેશો તો , કોણ ભજશે મહારાજ
આગળ આવે કલિયુગ ભારી , માનવી જાશે સત્યને હારી |
ઇન્દ્ર કહે તથાસ્તુ , શીબીરાયે જોડ્યા હાથ
ગુરુના વચને પ્રભુના ચરણે , ધારશી ગુણને ગાય
પ્રભુ જેની વારે આવ્યા , દેવતાઓએ મોતીડે વધાવ્યા |
· પ્રભાતિયા ભજન | · ગુજરાતી ગરબા
· આગમ વાણી |