ભુતળ ભક્તિ પદારથમોટું,બ્રહ્મ લોકમાં નાહી રે,
પુણ્ય કરી અમરાપુરી પામ્યા,અંતે ચોરાશી માહીં રે,
હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવતાર રે,
નિત્ય સેવા નિત્ય કીર્તન ,ઓછવ, નીરખવા નંદ કુમાર રે,….ભુતળ ભક્તિ,
ભરત ખંડ ભુતળ માં જન્મી જેણે ગોવિંદ ના ગુણ ગાયા રે,
ધન્ય ધન્ય એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે ,….ભુતળ ભક્તિ,
ધન્ય વૃંદાવન ધન્ય એ લીલા,ધન્ય એ વ્રજ ના વાસી રે,
અષ્ઠ મહાસિદ્ધિ આંગણિયે ઉભી, મુક્તિ થઇ એની દાસી રે,….ભુતળ ભક્તિ,
એ રસ નો સ્વાદ શકંર જાણે, કે જાણે શુક જોગી રે,
કાઈ એક જાણે પેલી વ્રજ ની ગોપી, ભણે નરસૈંયો ભોગી રે, ….ભુતળ ભક્તિ,
=નરસિંહ મહેતા,