યુધિષ્ઠિર પૂછે રે રાય જી.
તમે સાંભળો રૂષિરાય સાંભળોને મોટા દેવ.
એવો નિજિયા ધરમ અમને દીજિયે રે હા,
એક અંગના કરો નવ નવ ટુકડા રે.
અને શીશ ઉતારી ધરણીએ ધરજો રે હા.
કહે ઋષિ મારકંડ તમે સાંભળો રાજા ધરમ.
એવા નિજિયા ધરમને તમેતો વરજોરે હા…
એક અંગના કરું સ્વામી નવ નવ ટુકડા રે.
ને શીશ ઉતારી ધરણી ધરશું રે હા.
કહે રાજા ધરમ સુણો મુનિ મારકંડ,
તો તો નિજિયા ધરમ ને કેમ વરશું રે હા…
હે રાજા એની વાતુતો માતા કુંતા જાણે રે.
એમાં મિથ્યા જરીકે નથી રે હા.
ધરમ ધુણો ને પંથ નિજારી રે.
સતી દ્રોપદી સંપૂરણ જાણે રે હા…
નિયમથી સમજીને ચોપે થી ચાલ્યા રે.
એવા માતાને મંદિરિયે આવ્યા રે હા.
પરિક્રમા કરીને પાય રે લાગ્યા ને
હાથ જોડીને રિયા ઉભા રે હા….
માતા રે કુંતાજી કહે પુતર અમારા રે.
શીયે રે કરણીયે આવ્યા રે હા.
મુખારવિંદ થી કાઈ ન ઓચર્યા.
હાથ જોડી ને રિયા ઉભા રે હા…
ધરમ રાય કે છે તમે સાંભળો માતાજી રે.
એવો નિજિયા ધરમ અમને દીજિયે રે હા.
જનમ મરણ અમને ભવ ભારે તો.
મટે ઈ વિધાયુ અમને કીજીયે રે હા…
સત રે વચન ઋષિ મારકંડ કેરા રે.
એમાં મિથ્યા જરીકે નથી રે.
ધરમ ધુણો ને નીરજા પંથ ઈ તો રે.
સંપૂરણ જાણે છે સતી દ્રોપતિ રે હા…
તીયાથી ધરમરાજા ચોપેથી ચાલ્યા રે.
સતી દ્રોપતિ ને મંદિર આવ્યા રે હા.
ઉનમુન થઈને રાજા ધરમ તો રે.
હાથ જોડી ને રિયા ઉભા રે હા…
ચાકર ઠાકર નો નાતો અમારે રે.
સતી કયે શો અમારો ગુનો આવ્યો રે હા.
રાજા મુખારવીંદથી નવ ઉચરીયા રે.
ઈ તો હાથ જોડીને રીયા ઉભા રે હા…
ચાકર ઠાકર નો નાતો નૈ અમારે રે.
અને સ્ત્રી ને પુરુષ એવું શું છે રે હા.
માતાકુંતાને ઋષિ મારકંડવચને હુંઆવ્યો રે.
એવો નિજિયા ધરમ અમને દીજિયે રે હા…
સતીકહે નવરે અંગનીછે નવધા ભગતી રે.
એની સેવા જુજવી જુજવી રે હા,
શીશ ને માટે શ્રીફળ ગુરુને ચરણે રે.
તો નિજિયા ધરમ તમે તરવરો રે હા…
તન મન ધન લઈને ગુરુજીને સોંપી રે.
મેં ધણી પણું મેલી દેજો રે હા.
હાંસલ ખોટના ધણી ગુરુજીને સોંપો રે.
એવો નિજાર પિયાલો તમે પીજો રે હા.
જોડે સજોડે પછી રાજાજી ચાલ્યા રે.
મારકંડ ને મંદિર આવ્યા રે હા,
સહસ્ત્ર અકાશી ઋષિને કરોડતેત્રીશ દેવતારે.
રાજા ધરમ ના કાંકણ ભરિયા રે હા…
અજર પિયાલો રાજા નિજાર કેરો રે.
ઈ તો અમીરસ તમે જીરવી રે હા.
કહે ઋષિ મારકંડ સુણો રાજા ધરમ.
એવા અમર ફળ તમે તરત વરો રે હા…
-દેવાયત પંડિત,