હેં વીરા પાત્ર પારખ્યા વિના સંગ નવ કરીયે જી,
ઓલ્યા અજ્ઞાની ઉપાધિ કરશે રે…હે વીરા,
હે વીરા હિમનો ઠરેલ એક ઉંદર હતો જી,
એને હંસલે પાંખુમાં લીધો રે,…હે વીરા,
હે વીરા સરિયર થયો ત્યારે પાખુંને કોરી જી,
એની પાંખ રે પાડીને અળગો કીધો,…હે વીરા,
હે વીરા સંજીવની મંત્રને વિપ્ર ભણ્યો તો જી,
એણે મુવેલો વાઘ જીવાડ્યો રે,…હે વીરા,
હે વીરા વાઘ રે બેઠો થાતાં વિપ્રને દીઠો જી,
કરી ગર્જના વિપ્રને પાડ્યો રે ,…હે વીરા,
હે વીરા દૂધ સાકર પાઈ વિષધર ઉછેર્યો જી,
એના તન મનથી વિષનવ જાયે રે,..હે વીરા,
હે વીરા અજ્ઞાની જીવને જ્ઞાન નો આવે જી,
ભલે વાંચીને વેદ સંભળાવે રે ,…હે વીરા,
હે વીરા ભવના ભૂલ્યા જન હાલે ભટકતા જી,
એના લેખ લખેલા અવળા રે ,…હે વીરા,
હે વીરા શોભાજી ની ચેલી દેવલદે કે છે જી,
જે જન સમજ્યા તે હાલે સવળા રે,..હે વીરા,
દેવળ દે,