સતના બેલી આપણે વાયકે રે જાય,
અડસઠ તીરથ સદગુરુ ચરણે થાય.
ધરમના રે ધોરી ધણીના વાયકે રે જાય,
અડસઠ તીરથ સદગુરુ ચરણે થાય.
પહેલો પહેલો જગન રચ્યો, રાજા પ્રહલાદરાય,
હસ્તીને દોરીને લાવ્યા ધણીના રે દરબાર,
સોના કેરા કળશ સ્થાપ્યા ને,સોના કેરા પાટ,
સોનાના સિહાસન બેઠા, નકળંકીનાથ,
કોણ રાય તેદી પંડિત હતાને, કોણ હતા કોટવાળ,
કોણ લાવે ગુરુની સેવા,કોણ લાવે થાળ,
આદિનાથજી પંડિત હતાને, ગણપતિ કોટવાળ,
રાજા પ્રહલાદ લાવે ગુરુની સેવા, રત્નાવલી લાવે થાળ,
વેધો વેધો હસ્તીને આજે ધણીના દરબાર,
પાંચ રે કરોડમાં, કોરી પાહોળ વર્તાય,
બીજ દિન થાવર રહેન રૂડી, ગત રે ગંગાએ મળીને,
કર્યો છે રે આરાધ,
હસ્તી રે ઉઠીને સિહલદીપમા રે જાય..1
બીજો બીજો જગન રચ્યો, રાજા હરિશ્ચંદ્ર ને દ્વાર,
રેવત રે દોરીને લાવ્યા, ધણીના રે દરબાર ,
રૂપા કેરા કળશ સ્થાપ્યા ને, રૂપા કેરા પાટ,
રૂપાના સિહાસન બેઠા, નકળંકીનાથ,
કોણ રાય તેદી પંડિત હતાને, કોણ હતા કોટવાળ,
કોણ લાવે ગુરુની સેવા,કોણ લાવે થાળ,
સૌરંગીનાથજી પંડિત હતાને, ગરૂડજી કોટવાળ,
રાજા હરિશ્ચંદ્ર લાવે ગુરુની સેવા, તારામતિ લાવે થાળ,
વેધો વેધો રેવતને આજે ધણીના દરબાર,
સાત રે કરોડમાં,કોરી પાહોળ વર્તાય,
બીજદિન થાવર રહેન રૂડી, ગત રે ગંગાએ મળીને,
કર્યો છે રે આરાધ,
રેવત રે ઉઠીને સુર્ય રથમાં જોડાય..2
ત્રીજો ત્રીજો જગન રચ્યો, રાજા યુધિષ્ઠિરને દ્વાર,
કવલીને રે દોરીને લાવ્યા, ધણીના રે દરબાર,
ત્રાંબા કેરા કળશ સ્થાપા ને, ત્રાંબા કેરા પાટ,
ત્રાંબાના સિહાસન બેઠા, નકળંકીનાથ,
કોણ રાય તેદી પંડિત હતાને, કોણ હતા કોટવાળ,
કોણ લાવે ગુરુની સેવા,કોણ લાવે થાળ,
મચ્છન્દરનાથજી પંડિત હતાને, હનુમાનજી કોટવાળ,
રાજા યુધિષ્ઠિર લાવે ગુરુની સેવા, દ્રૌપદી લાવે થાળ,
વેધી વેધી કવલીને, આજે ધણીના દરબાર,
નવ રે કરોડમાં, કોરી પાહોળ વર્તાય,
બીજદિન થાવર રહેન રૂડી, ગત રે ગંગાએ મળીને,
કર્યો છે રે આરાધ, કવલી રે ઉઠીને કાંદળીક વનમાં રે જાય..3
ચોથો ચોથો જગન રચ્યો, રાજા બલીને રે દ્વાર,
અજિયા રે દોરીને લાવ્યા, ધણીના દરબાર,
માટી કેરા કળશ હતાને, માટી કેરા પાટ,
માટીના સિહાસન બેઠા, નકળંકીનાથ,
કોણ રાય તેદી પંડિત હતાને, કોણ હતા કોટવાળ,
કોણ લાવે ગુરુની સેવા,કોણ લાવે થાળ,
ગોરખનાથજી પંડિત હતાને, ભૈરવનાથ કોટવાળ,
રાજા બલી લાવે ગુરુની સેવા,વિધ્યાવલી લાવે થાળ,
વેધી વેધી અજિયાને,આજે ધણીના દરબાર,
બાર રે કરોડમાં, કોરી પાહોળ વર્તાય,
બીજદિન થાવર રહેન રૂડી, ગત રે ગંગાએ મળીને,
કર્યો છે રે આરાધ,પણ ઉઠી નહી અજિયાને સંતો કરે છે રે વિચાર..4
પાંચ સાતા નવ બારા ને , કરોડ તેત્રીસ ગયા નિર્વાણ,
એમ બોલીયા મેધ ધારવોજી,
આવ્યા કળયુગના રે એંધાણ,
તેદી પડી રહી અજિયાને,સંતો કરે છે રે વિચાર…
Satna Beli Vayke jay Lyrics
Santvani Bhajan Lyrics